આજ રોજ શાળામાં પ્રજાસત્તાક પર્વની ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્ય સરકારના આદેશ મુજબ "દીકરીની સલામ દેશને નામ" થીમ મુજબ ગામની સૌથી વધુ શિક્ષિત દીકરી અલકાબેન પટેલના વરદહ્સ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. સૌ પ્રથમ શાળાના ભૂલકાંઓએ દેશ ભક્તિ ગીતો તથા નારા સાથે પ્રભાત ફેરી કાઢી હતી. ધ્વજવંદન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર દીકરીએ પોતાને મળેલ સન્માન માટે શાળા પરિવારનો આભાર માન્યો હતો તથા ભારતવર્ષની લોકશાહીને અખંડિત રાખવા નાગરીક તરીકેની તમામ ફરજો નિભાવવા આહવાન કર્યું હતું. ગામના યુવા સરપંચશ્રીએ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બંધારણના હાર્દને સમજાવતાં આદર્શ નાગરીક બની રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા કહ્યુ હતું.
છેલ્લા એક વર્ષમાં ગામમાં જન્મેલ કુલ 13 દીકરીઓ તથા તેમના માતા-પિતાનું ગામનાં એચ.એન.વી. ટ્રસ્ટના સૌજન્યથી સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધ્વજવંદન કરનાર દીકરીએ પોતાના પ્રતિભાવોમાં પોતાના શાળા જીવનના સ્મરણો વાગોળી કન્યા શિક્ષણ માટે વાલીઓને સંકલ્પ લેવા જણાવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.